Sep 12, 2017

ગુજરાતી સાહિત્યના અદભુત શેર... Gazal

ગુજરાતી સાહિત્યના અદભુત શેર...



મારી હસ્તી મારી પાછળ એ રીતે વિસરાઈ ગઈ,
આંગળી જળમાંથી નીકળી ને જગા પૂરાઈ ગઈ.
:- ઓજસ પાલનપુરી


અધીરો છે તને ઈશ્વર બધુંયે આપવા માટે,
તું ચમચી લઈને ઊભો છે દરિયો માગવા માટે?
:-અનિલ ચાવડા


દુનિયામાં મને મોકલી પસ્તાયો હતો તું,
મૃત્યુનું બહાનું કરી આ પાછો ફર્યો લે.
 :- મરીઝ


જીવ હજી તો જભ્ભામાં છે,_
ફાટી ગઈ છે જાત કબીરા._
 :- ચંદ્રેશ મકવાણા


તારું કશું ન હોય તો છોડીને આવ તું,_
તારું જ બધું હોય તો છોડી બતાવ તું._
:- રાજેશ વ્યાસ 'મિસ્કીન'


આભમાં કે દરિયામાં તો એક પણ કેડી નથી,
અર્થ એનો એ નથી કે કોઈએ સફર ખેડી નથી.
:- રાજેશ વ્યાસ 'મિસ્કીન'


આ અહીં પ્હોંચ્યા પછીથી એટલું સમજાય છે,
કોઈ કંઈ કરતું નથી બસ આ બધું તો થાય છે.
:- રાજેન્દ્ર શુક્લ


હું ક્ષણોના મ્હેલમાં જાઉં અને,
કોક દરવાજો કરી દે બંધ તો!
 :- ચિનુ મોદી


જીવી શકું હું કઈ રીતે તમને સ્મર્યા વગર,_
પાંપણ કદીયે રહી શકે મટકું ભર્યા વગર?_
:- મનહર મોદી


પાનખર વીતી છતાં ખરતાં રહે છે_
પાંદડાને લાગી આવ્યું પાંદડાનું._
:- ઉદયન ઠક્કર


શ્વાસને ઈસ્ત્રી કરી મેં સાચવી રાખ્યા હતા,_
ક્યાંક અણધાર્યા પ્રસંગે જો જવાનું થાય તો!
:- અનિલ ચાવડા


કેવા શુકનમાં પર્વતે આપી હશે વિદાય,
નીજ ઘરથી નીકળી નદી પાછી વળી નથી.
:- જલન માતરી


ઘર સુધી તું આવવાની જીદ ન કર,_
ઘર નથી નહીંતર હું ના પાડું તને?_
:- ખલીલ ધનતેજવી


મને સદભાગ્ય કે શબ્દો મળ્યા તારે નગર જાવા,
ચરણ લઈ દોડવા બેસું તો વરસોના વરસ લાગે.
 :- મનોજ ખંડેરિયા


ક્રોધ મારો જોઈને ડરશો નહીં,_
પુષ્પના ડાઘા કદી પડતા નથી._
:- ચિનુ મોદી


ભૂલ જો થાય મિત્રોની તો માફ કર,
જીભ કચડાય તો દાંત તોડાય નૈં.
 :- અનિલ ચાવડા


ચિંતા કરવાની મેં છોડી,
જેવું પાણી એવી હોડી.
  :- ભાવેશ ભટ્ટ


અફસોસ કેટલાય મને આગવા મળ્યા,
ગાલીબને મારા શેર નથી વાંચવા મળ્યા.
  :- ભરત વીંઝુડા


સંપ માટીએ કર્યો તો ઈંટ થઈ,
ઈંટનું ટોળું મળ્યું તો ભીંત થઈ.
 :- અનિલ ચાવડા


શ્રદ્ધાનો હો વિષય ત્યાં પુરાવાની શી જરૂર?
કુરઆનમાં તો ક્યાંય પયંબરની સહી નથી.
- જલન માતરી


બધો આધાર છે એના જતી વેળાના જોવા પર,
મિલનમાંથી નથી મળતા મહોબતના પુરાવાઓ.
*- મરીઝ*


જિંદગીને જીવવાની ફિલસુફી સમજી લીધી,_
જે ખુશી આવી જીવનમાં આખરી સમજી લીધી.
- મરીઝ


કઈ તરકીબથી પથ્થરની કેદ તોડી છે ?
કૂંપળની પાસે શું કુમળી કોઈ હથોડી છે ?
- ઉદયન ઠક્કર


હું મંદિરમાં આવ્યો અને દ્વાર બોલ્યું,
પગરખાં નહીં બસ અભરખા ઉતારો.
- ગૌરાંગ ઠાકર


જત જણાવવાનું તને કે છે અજબ વાતાવરણ,
એક ક્ષણ તું હોય છે ને એક ક્ષણ તારું સ્મરણ.
- રાજેન્દ્ર શુક્લ


તમને સમય નથી અને મારો સમય નથી,
કોણે કહ્યું કે આપણી વચ્ચે પ્રણય નથી.
- બાપુભાઈ ગઢવી


રડ્યા ‘બેફામ’ સૌ મારા મરણ પર એજ કારણથી,
હતો મારો જ એ અવસર ને મારી હાજરી નહોતી.
- બરકત વિરાણી ‘બેફામ’


તફાવત એ જ છે,
તારા અને મારા વિષે,જાહિદ!
વિચારીને તું જીવે છે,
હું જીવીને વિચારું છું
- અમૃત ઘાયલ


જીવનની સમી સાંજે મારે જખ્મોની યાદી જોવી’તી,
બહુ ઓછાં પાનાં જોઈ શકયો બહુ અંગત અંગત નામ હતાં.
- સૅફ પાલનપુરી


તું કહે છે અશ્રુ ચાલ્યા જાય છે,
હું કહું છું જિંદગી ધોવાય છે.
– શયદા


વતનની ધૂળથી માથુ ભરી લઉં ‘આદિલ’,
અરે આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે.
- આદિલ મન્સૂરી


બસ, દુર્દશાનો એટલો આભાર હોય છે,_
જેને મળું છું, મુજથી સમજદાર હોય છે._
:- મરીઝ


જિંદગીના રસને પીવામાં કરો જલ્દી ‘મરીઝ’,
એક તો ઓછી મદિરા છે, ને ગળતું જામ છે.
- મરીઝ


સમયની શોધ થઈ તેની આગલી સાંજે
મેં ઈંતજારને શોધ્યો હતો ખબર છે તને?
- મુકુલ ચોક્સી


હસ્તરેખા જોઈને સૂરજની કૂકડાએ કહ્યું,
આપના પ્રારબ્ધમાં બહુ ચડ-ઉતર દેખાય છે.
- ઉદયન ઠક્કર


મોત વેળાની આ ઐયાશી નથી ગમતી ‘મરીઝ’,
હું પથારી પર રહું ને આખું ઘર જાગ્યા કરે.
– મરીઝ


દિવસો જુદાઈના જાય છે,
એ જશે જરૂર મિલન સુધી:
મને હાથ ઝાલીને લઈ જશે,
હવે શત્રુઓ જ સ્વજન સુધી.
- ગની દહીંવાલા


જ્યારથી એ જણ કશાની શોધમાં છે,
ત્યારથી આખું જગત વિરોધમાં છે.
- અનિલ ચાવડા


જિંદગીનો એ જ સાચોસાચ પડઘો છે ગની,
હોય ના વ્યક્તિ ને એનું નામ બોલાયા કરે.
- ગની દહીંવાલા

 More Gazal 

Ma Mogal madi, મોગલ માડી

માં તું ચૌદ ભુવન મા રેહતી,  ઉંઢળ માં આભ લેતી, છોરું ને ખમ્મા કહેતી મારી, મોગલ માડી. લળી લળી પાય લાગું, એ દયાળી દયા માંગુ મારી, મોગલ માડી.   ...